(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસીક ન્યાયમંદિરમાં ૭૫ વર્ષ કરતાં વધુથી કાર્યરત કોર્ટ અંદાજે રૂા.૧૩૦ કરોડનાં ખર્ચે વેકસીન ગ્રાઉન્ડ ખાતે નવા બંધાયેલ કોર્ટ સંકુલમાં ટ્રાન્સફર થશે. જેનું આવતીકાલે સી.એમ. રૂપાણી અને હાઇકોર્ટનાં મુખ્ય જર્જના હસ્તે નવા કોર્ટ સંકુલનું ઉદ્‌ઘાટન થશે. વર્ષ : ૨૦૧૨માં અંદાજે રૂા.૧૩૦ કરોડનાં ખર્ચે નવા બંધાયેલા કોર્ટ સંકુલમાં ૭૪ કોર્ટ કાર્યરત થશે. જેમાં ૧૫૦૦ થી વધુ વકીલો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તા.૧૭મીનાં રોજ મુખ્યમંત્રી ઉદ્દઘાટન કર્યા બાદ તા.૧૯મીથી તમામ કોર્ટ નવા સંકુલમાં કાર્યરત થઇ જશે. નવા કોર્ટ સંકુલમાં એક કોન્ફરન્સ રૂમ, એક ટ્રેની રૂમ પણ બનાવવામાં આવ્યો છે. નવી રૂમને એ.સી. સોલાર સહિતની તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. નવા કોર્ટ સંકુલમાં ફેમિલી કોર્ટ પણ શીફટ કરવામાં આવશે. રાજ્યની આ પહેલી એવી કોર્ટ હશે કે જ્યાં ચિલ્ડ્રન રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં રમકડાં અને ઘોડીયાની પણ વ્યવસ્થા હશે. ફેમિલી કોર્ટમાં બાળકો સાથે મહિલાઓ આવતી હોવાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. નવા કોર્ટ સંકુલમાં બેંક અને પોસ્ટ માટેનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે. હાલનાં તબક્કે કઇ બેંકની બ્રાન્ચ શરૂ થશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ આગામી દિવસોમાં કોર્ટ સંકુલમાં બેંક અને પોસ્ટની બ્રાન્ચ શરૂ થશે. જેથી વકીલો અને અસીલોને આશાની રહેશે. નવા કોર્ટ સંકુલમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળીને કુલ ૩,૦૦૦ થી વધુ વાહન પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મુલાકાતીઓ અને જર્જ માટેનાં પાર્કીંગની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે.