(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો લાવી શહેરમાં ઘૂસાડનાર પાંચ જણાંને પીસીબી પોલીસે ૧૬.૫૨ લાખનાં દારૂનાં જથ્થા ભરેલી બે કાર સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના હરણી એરપોર્ટ પાસે માણેકપાર્કથી ખોડિયારનગર તરફ એક સફેદ રંગની પોલો કારમાં દારૂ તથા બિયરનો જથ્થો લઇ બુટલેગરો પસાર થવાનાં છે તેવી માહિતી વડોદરા શહેર પીસીબી પોલીસને મળી હતી. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી કાર આવતા તેને રોકી તપાસ કરતાં કારમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ પોલીસે કારના ચાલક ડેવીડ રવિન્દ્રભાઇ હઠીલા તથા દારૂનો જથ્થો મંગાવનાર વિનોદ નારણભાઇ ખટીકની ધરપકડ કરી હતી.
આ સાથે સયાજીપુરા પાણીની ટાંકી પાસે એક શીફટ કારમાં દારૂનો જથ્થો લઇ જતાં રોશન પટેલ શકિતરાજ ગલાભાઇ હઠીલા અને ભુપેન્દ્રભાઇ મકવાણાની ધરપકડ કરી કારમાંથી વિદેશી દારૂનો જથ્થા સહિત ૯.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ બંને બનાવમાં ૧૬.૫૨ લાખનો મુદ્દામાલ સાથે કુલ ૫ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.