વડોદરા,તા.૮
વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વાસ અધિકારી વેટેરન વિંગ કમાંડર અરૂપકુમાર રોયે જણાવ્યું કે અમારા પૂર્વ સૈનિકો હાલના સંજોગોમાં જે કોઈ ફરજ સોંપાય એ રીતે સેવા કરવા તત્પર છે. અમે પ૦ વર્ષથી ઓછી ઉંમરના પૂર્વ સૈનિકોની જિલ્લાવાર યાદી બનાવી છે. જેમાં વડોદરાના ૯૬૪, ખેડાના ર૯૩, આણંદના ૧૦૯ અને છોટાઉદેપુરના ૪પ જવાનોનો સમાવેશ થાય છે. તેમાં સેનાની ત્રણેય પાંખના જવાનો છે.
આ જવાનોની યાદી જે તે જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા પોલીસવડાને મોકલી આપવામાં આવી છે. જામનગરમાં પૂર્વ સૈનિકોને જરૂરતમંદ વડીલ વૃદ્ધજનો સાથે સંકલન કરીને એમને જરૂરી સાધન સામગ્રી અને સેવા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે અને એ પ્રયોગ સફળ થયો છે. વડોદરામાં ડભોઈ પોલીસ દ્વારા નાકાબંધી માટે નિવૃત જવાનોનો સહયોગ માંગવામાં આવ્યો છે. એટલે જિલ્લા તંત્ર દ્વારા માજી સૈનિકોની કુશળતા પ્રમાણે વિવિધ સેવાઓમાં એમની મદદ લેવાશે. પૂર્વ સૈનિકો દ્વારા સ્વૈચ્છિક સેવાઓ આપવામાં આવશે.