(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૭
બરાનપુરા ડભોઈયા પોલીસ ચોકી નજીક જૂના ઝઘડાની અદાવતે થયેલી તકરારમાં નવાપુરા પોલીસે પાંચ તોફાનીઓની અટકાયત કરી હતી. જે પૈકીના ત્રણ તોફાનીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે ૧૧ પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના બરાનપુરા ડભોઈયા ચોકી નજીક જૂના ઝઘડાની અદાવતે બે દિવસ પહેલાં તકરાર સર્જાઈ હતી. તકરારમાં બંને પક્ષે પથ્થરમારાની ઘટના બનતા નવાપુરા પોલીસે ટોળા વિરૂદ્ધ રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધી ગઈકાલે પાંચ તોફાનીઓની અટકાયત કરી હતી. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ઝાડલાયેલા પાંચ તોફાનીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી આજે સુનિલ ચુનારા, સાગર ચુનારા અને આકાશ ચુનારાનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્રણ તોફાનીના સંપર્કમાં આવેલા નવાપુરાના પાંચ એલઆરડી જવાનો અને વાડી પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓને મેડિકલ ચેકઅપ બાદ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.