(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૮
વિતેલા ચોવીસ કલાકમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરવાના ત્રણ બનાવો બનવા પામ્યા છે. જેમાં એક ધો.૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે.
પોલીસ તેમજ હોસ્પીટલના સુત્રોના જણાવ્યાનુસાર માણેજા ગામના દશામાના મંદિર પાછળ શ્રીજી વસાહતમાં રહેતો અને ઘણા સમયથી બેકાર ફરી રહેલા સતિષ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૪)ને તેના પિતાએ ઘરની બહાર કાઢી મુકયો હતો તેને કોઇ રોજગારી ન મળતા ગામની સીમમાં આવેલ ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આપઘાતના બીજા બનાવની પ્રાપ્ત વિગત મુજબ સલાટવાડા કાપડી પોળમાં રહેતા અને ઓટોરીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હરિશભાઇ રાણાએ પત્નીના વિરહમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હરિશભાઇ રાણા તેના લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાનોના પિતા બન્યા હતા. પત્ની રેખાબેન રાણાએ છ માસ અગાઉ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ ત્રણ સંતાનો તેમના મામાને ત્યાં રહેતા હતા જ્યાં હરિશભાઇ એકલા કાપડી પોળમાં રહેતા હતા. એકલવાયા જીવનનાં આવેશમાં આવી હરીશભાઇએ ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.
ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતોનુસાર માંજલપુર સ્પંદન સર્કલ શ્રીજી કોમ્પલેક્ષમાં રહેતી અને ધો.૮માં શ્રેયસ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્નેહલ હરિહર ઐયર (ઉ.વ.૧૩) એ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.