(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
કોરોના વાયરસની મહામારીના પગલે ૭ર દિવસ બાદ વડોદરા આટીઓ કચેરી કોવિડ-૧૯ની ગાઈડલાઈનના ચુસ્ત નિયમોના પાલન સાથે ધમધમી ઊઠી છે. જો કે, આરટીઓ કચેરીમાં જે વ્યક્તિએ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી છે. તેઓને જ પ્રવેશ આપીને તેઓના આરટીઓ સંબંધિત કામ કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. ઈન્ચાર્જ આરટીઓ ઈન્સ્પેક્ટર એ.એમ. પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના લોકડાઉનના કારણે બંધ રાખવામાં આવેલી આરટીઓ કચેરી આજે ૪ જૂનથી શરૂ કરવામાં આવી છે. કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ તમામ તકેદારી રાખીને શરૂ કરવામાં આવેલી કામગીરીમાં જે લોકોએ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી છે તેઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે માસ્ક પહેરીને આવનારને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કચેરીના કર્મચારીઓ તેમજ વિવિધ કામ માટે આવતા અરજદારોનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કચેરીના ગેટ ઉપર સેનિટાઈઝની વ્યવસ્થા કરવામાં આવી છે.