(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૦
કિર્તી સ્થંભ પાસે આવેલા એકસીસ બેંકના એટીએમના એસીમાં આગ લાગતા દોડધામ મચી હતી. લાશ્કરોએ પાણીમારો, ફોર્મ મારો ચલાવી આગ બુઝાવી હતી. સદ્‌નસીબે એટીએમ મશીન સહિ સલામત રહેતા નાણાં પણ સલામત રહ્યા હતા.
ફાયરબ્રિગેડ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કિર્તીસ્થંભ પાસે એકસીસ બેંકનું એટીએમ આવેલું છે. ગત મોડી રાત્રે કિર્તી સ્થંભ એસ.ટી. સ્ટેન્ડ પાસે વાહનોની અવર જવર ચાલું હતી. દરમિયાન એટીએમ મશીનમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડને બનાવ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ફાઇટર સાથે લાશ્કરોની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી.
શોર્ટસર્કિટના કારણે એસી મશીનમાં આગ લાગી હોવાથી ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા. લાશ્કરોએ ફોમ મારો ચલાવી આગને બુઝાવી હતી.