વડોદરા, તા.૨૨,
વડોદરાના મોટી બાપોદ વિસ્તારમાં રહેતા બિલ્ડર ભવનભાઇ ભરવાડનું નિમેટા ગાર્ડન નજીક સાકરિયા ગામે ખોડીયાર ફાર્મ આવેલું છે. ગઇકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે પરિવારજનો ઉપરોકત ફાર્મ હાઉસમાં એકઠા થયા હતા. ત્યારે ભવનભાઇના પૌત્ર રાજુભાઇનો ત્રણ વર્ષીય પુત્ર મીત રમતા-રમતા આઠેક ફુટ ઉંડા ખાડા તરફ ગયો હતો. મીત એકાએક ખાડામાં ખડકી પડતાં તેને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મીતને શોધી કાઢયો હતો અને તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા તબીબો દ્વારા મૃતજાહેર કરવામાં આવ્યો હતો.