વડોદરા, તા.૬
કોરોના માટેના દર્દીઓની સારવાર કરતી ગોત્રી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જમવાની પ્લેટમાં જીવાત નીકળતાં યુવકે નારાજગી સાથે ફરિયાદ કરી છે. બીજી તરફ તંત્રે આ મુદ્દે કાળજી લેવામાં આવશે, તે જણાવ્યું છે.
પાદરાના ભાવિન પાટણવાડિયાને કોરોનાના લક્ષણ દેખાતાં આજે સવારે ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની સાથે તેમની પત્ની નિધિનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ આવે ત્યાં સુધી તેઓને એક રૂમમાં રહેવા જણાવાયું હતું. દરમ્યાન બપોરે આપવામાં આવેલા ભોજનમાં જીવાત નીકળતાં તેઓએ ફરિયાદ કરી હતી. ભાવિનના જણાવ્યા અનુસાર તેમની પત્નીને બે દિવસથી ઉપવાસ હોવાથી જમ્યા નથી. બપોરે જમવાનું આપવામાં આવ્યું હતું, જેમાં ભાતમાં જીવાત જોવા મળી હતી. તેઓએ તેનો વીડિયો બનાવી ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. તેમ છતાં સ્ટાફે કલાકો સુધી જમવાની બીજી કોઈ વ્યવસ્થા કરી નહતી. કોરોનામાં ગરમ પાણી પીવું હિતાવહ છે તેવામાં હોસ્પિટલમાંથી ઠંડું પાણી આપવામાં આવતા તેઓએ જાતે બહારથી ગરમ પાણી મગાવવાની ફરજ પડી હતી.
આ અંગે ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર શિતલ મિસ્ત્રીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓને આ અંગે ફરિયાદ મળી હતી એટલે તેઓએ તાત્કાલિક ભોજન આપતી સંસ્થાને આ બાબતે જાણ કરી છે. તેઓએ દર્દીને તુરંત જ જમવાની વ્યવસ્થા કરી આપી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓએ હોસ્પિટલમાં સુવિધા ન હોવાની ફરિયાદ કરી વીડિયો વાયરલ કર્યા હતા, ત્યારે આજે પણ યુવકે ભોજનમાં જીવાત નીકળવાના વીડિયો વાયરલ કરતાં લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી છે.