(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૩ર પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસનો આંક વધીને ૧૧૧૮ ઉપર પહોંચી ગયો છે. પાલિકાએ આજે સત્તાવાર વધુ ૩ મોત જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક ૪પ ઉપર પહોંચ્યો છે. આજે વધુ ૪ર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક ૬૬૭ ઉપર પહોંચી ગયો છે. અત્યારે ૪૦૬ દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી ર૪ ઓક્સિજન ઉપર અને ૧૩ વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૬૯ દર્દીઓ સ્ટેબલ છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાયરસથી આજે વધુ ૪ દર્દીનાં મોત થયા છે. જેમાં રાજમહેલ રોડ પર આવેલી રાજસ્થંભ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના નીલાબેન પટેલ અને શક્તિપોળમાં રહેતા ૬૪ વર્ષના કલ્પનાબેન અમૃતભાઈ ખારવા અને ચોખંડી વિસ્તારના પ૪ વર્ષના પ્રવિણભાઈ પટણી અને સુભાનપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા ૪૯ વર્ષના માધુરીબેન ધનંજય ગોરનો સમાવેશ થાય છે.

વડોદરામાં કોરોનામાં વધુ ૪નાં મોત

વડોદરા, તા.ર
વડોદરા શહેરમાં કોરોનાને કારણે ગઈકાલે રાત્રે અને વહેલી સવાર સુધીમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિનાં મોત નિપજ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા માધુરીબેન ગોર, રાજમહેલા રોડ રાજસ્થાન સોસાયટીમાં રહેતા લીલાબેન પટેલ, રાજમહેલ રોડ શક્તિ પોળમાં રહેતા કલ્પનાબેન ખારવા અને ચોખંડી પાસે રહેતા પ્રવીણ પટણીનું ગઈકાલે રાત્રિથી આજે વહેલી સવારે દરમિયાન મોત નિપજ્યું હતું. તેઓના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે થયો હતો. જેથી તેઓને કોરોના પોઝિટિવ થયો હોવાની જાણકારી મળી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા દિપીકાબેન પટણીની બે દિવસ અગાઉ તબિયત બગડતા તેઓને વાઘોડિયા રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો હતો. તેમની સાથે સંપર્કમાં આવતા અન્ય એક મહિલા કાઉન્સિલર તેમજ ચાર કાર્યકરોનો પણ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે જેનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. વડોદરા શહેરના લઘુમતી કોમના કોંગ્રેસના માજી કોર્પોરેટર મંજૂર ખાન પઠાણનું ગઈકાલે કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પણ મહિલા કોર્પોરેટર અને કાર્યકરો પણ કોરોનાના શંકાસ્પદ દાયરામાં આવી ગયા છે.