(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૩
વડોદરા શહેર અને જિલ્લાના ૧પ હજારથી વધુ નાના, મોટા, મધ્યમ અને લઘુ ઔદ્યોગિક એકમો ૨૩ માર્ચથી ૨૫ માર્ચ સુધી કોરોના વાયરસને રોકવા સ્વૈચ્છિક શટડાઉન એટલે કે ઉદ્યોગબંધી પાળશે. ખાસ વાત એ છે કે, આ એકમોમાં કામ અને ઉત્પાદન બંધ રહેવા છતાં માનવીય અભિગમ દાખવીને તેમના કામદારો, કર્મચારીઓ અને શ્રમયોગીઓનું વેતન કાપવામાં નહીં આવે. આ ઉપરાંત આ શટડાઉનમાંથી ફાર્મા, માસ્ક, એપીઆઈ સહિત જીવન આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદક એકમોને બાકાત રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આજે ઔદ્યોગિક મંડળો સાથે બેઠક યોજી હતી. જેમાં ૨૫ માર્ચ સુધી શટડાઉન પાળવાનો નિર્ણય કરાયો છે. પરિસ્થિતિની માંગ પ્રમાણે બંધને લંબાવવામાં આવી શકે એવો સંકેત આપવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર રાજ્યની સાથે વડોદરાની પરિસ્થિતિની સતત જાણકારી મેળવવાની સાથે ઉપયોગી માર્ગદર્શન અને દિશા નિર્દેશો આપી રહ્યા છે. વડોદરાનું ઉદ્યોગ જગત આ પ્રકારની પહેલ કરીને પ્રેરક દાખલો બેસાડશે એવો એમને વિશ્વાસ હતો. જે ઔદ્યોગિક મંડળો અને એમના સદસ્ય એકમોના રચનાત્મક અભિગમથી સાકાર થયો છે.
શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને વડોદરા શહેર કોરોના વાયરસની આપદા સામે તંત્ર અને લોકોના સકારાત્મક સહયોગથી મક્કમ મુકાબલો કરી રહ્યું છે, તેવા સમયે વડોદરાના ઉદ્યોગ જગતનો આ અભૂતપૂર્વ નિર્ણય અને સહયોગ ધન્યવાદને પાત્ર છે.