(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
ધીરધારનું લાયસન્સ લેવા માટે રૂપિયા ૬૦ હજારની લાંચ લેતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ધીરધાર વિભાગના વર્ગ-૩ના કર્મચારીને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસમાં સ્કાય હાર્મોનિયમમાં જે ટાવરના ૭૦૩ નંબરના મકાનમાં દિલીપભાઈ ધનજીભાઈ મકવાણા રહે છે. તેઓએ નર્મદાભૂવન સ્થિત રજિસ્ટ્રારની કચેરીમાં ધીરધારના વ્યવસાય માટે લાયસન્સ માટે અરજી કરી હતી, જે અરજી બાદ તેઓ કર્મચારી વિપુલ ગાંધીને મળ્યા હતા. વિપુલ ગાંધીએ લાયસન્સ કાઢી આપવા માટે રૂપિયા ૧ લાખની લાંચની માગણી કરી હતી, જે તડજોડના અંતે રૂપિયા ૬૦ હજાર નક્કી થયા હતા. અરજદાર દિલીપભાઈ મકવાણાએ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારી વિપુલ ગાંધીએ લાયસન્સ કાઢી આપવા માટે કરેલી લાંચની માગણીનું સ્ટીંગ કરી લીધું હતું. સ્ટીગમાં કર્મચારી વિપુલ ગાંધી જણાવે છે કે, અમારે રૂપિયા ૧ લાખમાંથી રૂપિયા પ૦ હજાર ગાંધીનગર સુધી પહોંચાડવા પડે છે. અરજદાર દિલીપભાઈ મકવાણાએ સ્ટીંગ કરેલ વીડિયો અને મૌખિક વિપુલ ગાંધી સાથે થયેલી વાતચીતની વિગતો સાથે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ ફરિયાદના આધારે સાંજે છટકું ગોઠવીને રજિસ્ટ્રાર કચેરીના ધીરધારનું લાયસન્સ આપવાનું કામ કરતા વર્ગ-૩ના કર્મચારી વિપુલ ગાંધીને રૂપિયા ૬૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબીએ તેઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે તેઓના ઘરે મોડી રાત્રે એસીબીએ સર્ચની પણ કાર્યવાહી હાથ ધરી હતી.