વડોદરા, તા.૧૧
શાળા વિકાસ સંકુલ ૧માં વડોદરા ગ્રામ્ય, સાવલી, ડેસર તાલુકાઓની શાળાઓનો સમાવેશ થાય છે. જે એજ્યુકેશન ઈન્સ્પેક્ટર પ્રીતિ સંઘવીના હસ્તક હતુ તેમની સામે ગેરરીતિની ફરિયાદો ઉઠતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે. દરમિયાન તેમને આ કામગીરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. શાળા વિકાસ સંકુલ ૧ના આચાર્યોએ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર સામે ફરિયાદો કરી કે તેઓ ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલમાં સહી કરવા માટે અમારી પાસે પૈસાની માગણી કરે છે, ઉપરાંત જ્યારે શાળામાં ઈન્સ્પેક્શન કરવા આવે ત્યારે પણ રુપિયાની ઉઘરાણી કરે છે. શાળાના જી.આર.રજિસ્ટર લઈને અમને ેેઓફિસ બોલાવે છે પણ તેમાં સહી કરવાને બદલે લાલ પેનથી શેરો મારી દે છે. કામની બાબતે તો તેમનું વલણ અયોગ્ય જ છે પણ ઉંમરમાં મોટા આચાર્યોનું સન્માન જાળવ્યા વગર તેમની સાથે અસભ્ય વાણી વર્તન કરે છે. અગાઉ તેઓ જે શાળા વિકાસ સંકુલમાં કામ કરતા ત્યાં પણ આ પ્રકારની ફરિયાદો ઉઠવા પામી હતી. આચાર્યોએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં આવેદનપત્ર આપીને શાળા વિકાસ સંકુલ ૧માંથી પ્રીતિ સંઘવીને દૂર કરી નવા એજ્યુકેશન ઈન્સ્પેક્ટર મૂકવાની માગણી કરતા હાલ પ્રીતિબેનને તેમના પદેથી હટાવીને અન્ય કામગીરી સોપી છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આ મુદ્દે તપાસ સમિતિ રચી તપાસની કામગીરી હાથ ધરી છે. જોકે પ્રીતિ સંઘવીએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.