(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૭
નિર્દોષ મુસ્લિમ ફેરિયાને ચોરીના શકમંદ તરીકે પકડી ફતેગંજ પોલીસે અમાનુષી માર મારતા મોત નીપજયા પછી મૃતદેહને સગેવગે કરી કેસ ઉપર ઠંડુ પાણી રેડી દીધું હતું. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે છે. તે કહેવત અનુસાર મૃતકના સગા સંબંધીઓએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી કરતા અદાલતે ૧૦મી જુલાઈના રોજ શકમંદને હાજર કરવા કરેલા ફરમાનને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરતા ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન ઈન્સ. પો.સ.ઈ. અને ચાર લોકરક્ષકના કાળા કરતુતનો ભાંડો ફુટી જતા છ એ છ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ બેડામાં સન્નાટો વ્યાપ્યો છે.
ચકચાર જગાવનાર કિસ્સાની વિગત એવી છે કે, મૂળ તેલંગાણાના વતની પણ અમદાવાદમાં રહેતા અને વિવિધ શહેરોમાં ફરી ચાદરોની ફેરી કરતા શેખ બાબુ શેખ નિસાર ગત તારીખ ૧૦ ડિસેમ્બર ર૦૧૯ના રોજ રાબેતા મુજબ વડોદરા ખાતે ફેરી કરવા આવ્યા હતા. સાયકલ ઉપર ચાદરોની થપ્પી કરી તેઓ ફતેગંજ તરફ જઈ રહ્યા હતા. તે સમયે ફતેગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલે (લોકરક્ષક) શેખ બાબુભાઈને પકડી ફતેગંજ પોલીસ મથકે લઈ ગયા હતા. ટીપી-૧૩ વિસ્તારમાં રહેતા સતિષ ઠક્કરના ઘરમાં ચોરી થઈ હતી. તેના શકમંદ તરીકે પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યાર બાદ ગુનો કબુલ કરવા શેખ બાબુ શેખ નિસારને પોલીસે, પોલીસ મથકમાં બેરહેમી પૂર્વક માર માર્યા હતો. પોતે નિર્દોષ હોવાથી ગુનો કબુલ્યો ન હતો. આથી કોઈ પણ હિસાબે ગુનો કબુલ કરે એના માટે ઢોરમાર મારવામાં આવ્યો હતો. પરિણામે તેમનું પોલીસ સ્ટેશનમાં જ મોત નીપજયું હતું. પોલીસની બર્બરતા ત્યાં અટકી ન હતી. હવે લાશને સગેવગે કરવાનો સમય હતો. આથી ફરજ પરના પોલીસ ઈન્સ્પેકટર ધર્મેન્દ્રસિંહ ગોહિલની સૂચનાથી પોસઈ દશરથ રબારી તથા લોકરક્ષકો પંકજ માવજીભાઈ, રાજેશ સવજીભાઈ, યોગેન્દ્ર જીલણસિંહ અને હિતેષ શંભુભાઈએ ભેગા મળી મૃતદેહને સગેવગે કરી દીધો હતો.

હાઈકોર્ટના આદેશથી ઘટના ઉપરથી પડદો ઊંચકાયો

શેખ બાબુ શેખ નિસારની ધરપકડ તા.૧૦મી ડિસેમ્બર ૧૯ના રોજ કર્યા બાદ બે દિવસ પોલીસ મથકમાં રાખ્યા હતા. માર માર્યા બાદ મોત નીપજતા લાશને સગેવગે કરી હતી. અને ફરિયાદને પણ ડીલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો. પરંતુ સ્ટેશન ડાયરીમાં નોંધ હતી. શેખ બાબુભાઈના સગાસંબંધી ફતેગંજ પોલીસ મથકે તપાસ કરવા ગયા તો જવાબ મળ્યો છે તેમને તો છોડી મુકવામાં આવ્યા છે. પણ છતાં પત્તો ન હતો. આથી તેમની શંકા ઘેરી બની હતી. છેવટે તેમણે હાઈકોર્ટનું શરણ લીધું હતું. જેમાં બાબુભાઈ શેખને ૧૦ જુલાઈ ર૦ના રોજ અદાલતમાં હાજર કરવા ફરમાન હતું. અદાલતે સીસીટીવી ફુટેજ સહિતના દસ્તાવેજો સાથે હાજર થવા હુકમ કર્યો હતો. પોલીસ બેડામાં કસ્ટોડિયલ ડેથની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગણકારી ન હતી. પરંતુ છેવટે હઈકોર્ટના હુકમને લીધે પો.કમિશનરે તપાસનો આદેશ આપવા પડયો હતો. જેમાં સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાયો અને પાપ છાપરે ચડીને છ મહિના પછી પોકાર્યું.