(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
આજરોજ શહેરના ફતેગંજથી પંડ્યા બ્રિજ તરફ જવાના ઓવર બ્રિજની રેલિંગ તોડીને કોંક્રિટ મિક્સર નીચે પડ્યું હતું. જેને કારણે ટ્રકનું ટ્રેલર અને મિક્સચર મશીન ચગદાયું હતું અને છૂટું પડી ગયું હતું. ડ્રાયવર કેબીન તો આખું જ છુંદાઇ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
વડોદરામાં ફિલ્મી દૃશ્યો છેલ્લા બે દિવસથી સર્જાઈ રહ્યા છે. ગતરોજ નિલંબર ટ્રાયમ્પ નજીક રૂા.૧ કરોડની કિંમતની લકયુરિસ કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. તો આજે શહેરના ફતેગંજથી પંડ્યા બ્રિજ તરફ જઈ રહેલા ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા કોંક્રિટ મિક્સચર રેલિંગ તોડીને નીચે પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારે ૮ ૩૦ વાગ્યા પછી અકસ્માત થયો હતો. સામાન્ય રીતે વહેલી સવારથી જ ફતેગંજ વિસ્તારમાં વાહનોની ભારે અવર જવર રહેતી હોય છે. અકસ્માત થવાને કારણે ટ્રેલર અને કોંક્રિટ મિકચર મશીન અલગ અલગ થઈ ગયા હતા. એટલું જ નહીં ડ્રાઇવર કેબિન તો આખું જ ચગદાઈ ગયું હતું. રવિવારે સવારે વિસ્તારમાંથી પસાર થઈ રહેલા લોકો અકસ્માતના ભયજનક દ્રશ્યો નિહાળીને અચંબામાં મુકાયા હતા. જો કે, સમગ્ર મામલાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ટ્રાફિક નિયમન કરવાની સાથે મામલે વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, કોંક્રીટ ભરેલો ટ્રક દુમાડ થી ભાયલી જઇ રહ્યો હતો. બ્રિજ પર ચાલકે નિયંત્રણ ગુમાવતા ટ્રક નીચે પડ્યો હતો. નિયંત્રણ ગુમાવતા ચાલક ટ્રકમાંથી કુદી પડ્યો હતો. જેને કારણે તેનો બચાવ થયો હતો.