વડોદરા, તા.૭
જગત ગૃપના નામે વડોદરામાં સ્ટડી સેન્ટર ચલાવતા ભેજાબાજ દ્વારા જ મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને બનાવી આપવામાં આવતા હોવાની વિગતો ક્રિકેટ સટ્ટાના કેસની તપાસમાં બહાર આવી છે. પોલીસે સંસ્થાના સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જગત ગૃપના નામે એજ્યુકેશન સંસ્થા ચલાવતા જીગર રમેશ ગોગરા (રહે. સરોજપાર્ક ગાયત્રી પેટ્રોલપંપ પાસે રિફાઇનરી રોડ ગોરવા)એ આ બોગસ માર્કશીટ બનાવી છે. પોલીસ સુત્રોએ જણાવ્યુ છે કે જીગર ગોગરા મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડ સાથે સંકળાયેલો છે અને કેટલાક વિદ્યાર્થીઓને આ રીતે બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ પણ બનાવી આપે છે જેથી પોલીસે જીગર ગોગરાની કોરોના ટેસ્ટ પછી ધરપકડ કરી છે અને નોયલ પરેરાની શોધખોળ હાથ ધરી છે.