(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૩
વડોદરા શહેરમાં ભાજપના બોર્ડ નં.૭ના પ્રમુખે લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા છે. જાહેરમાં ટોળુ ભેગું કરીને જન્મદિવસથી ઉજવણી કરનારા ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમાર સહિત ૮ આરોપીની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે આ મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. વડોદરા શહેરની તુલસીવાડીમાં ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે કાર્યકરોના ટોળા ભેગા કરીને મ્યુઝિક સિસ્ટમના તાલે જન્મદિવસથી ઉજવણી કરી હતી. અનિલ પરમારના જન્મદિવસની ઉજવણીમાં કેક કટિંગ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભેગા થયા હતા. કોરોના વાયરસની મહામારી વચ્ચે રેડ ઝોન નાગરવાડા પાસે આવેલી તુલસીવાડીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે તુલસીવાડીમાં પોતાના ઘરની બહાર રસ્તા ઉપર જ જન્મદિવસની ઉજવણી કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. કારેલીબાગ પોલીસે આ મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને આઠ આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.