વડોદરા, તા.ર
અરબી સમુદ્રમાં ઉદ્‌ભવેલા નિસર્ગ વાવાઝોડાની અસર વડોદરાને પણ થવાની સંભાવના હોવાથી વડોદરા કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરે આજે બપોરે ઉચ્ચ અધિકારીઓ સાથે અગત્યની મીટિંગ કરી હતી. વાવાઝોડાની સંભવિત અસર સામે કોર્પોરેશનના તંત્ર દ્વારા જે કોઈ સાવચેતીના પગલાં લેવાના હોય તે ભરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના પગલે ૪ કે પ જૂનના રોજ દરિયામાં ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે વડોદરા, અમદાવાદ અને સુરતમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી પ જૂન સુધી વડોદરામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.