(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી યુનિયન ના અગ્રણીઓએ કર્મચારીઓના વણઉકેલ્યા પ્રશ્નો અંગે ગઈ તારીખ ૩ના રોજ આવેદનપત્ર આપ્યું હતું અને તા.૧૭ સુધીનું અલ્ટીમેટમ આપી આ તારીખ સુધીમાં કર્મચારીઓના પ્રશ્નો અંગે જરુરી કાર્યવાહી નહીં કરાય તો આંદોલનાત્મક કાર્યક્રમો કરવા ચીમકી આપી હતી. દરમિયાન આજરોજ યુનિયનના અગ્રણીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી કમિશનર વહીવટ સાથે મિટિંગ યોજાઈ હતી અને નીતિવિષયક મુદ્દાઓ બાબતે પરિણામ લક્ષી ચર્ચા થઈ હતી.
વડોદરા મહાનગરપાલિકા મહામંડળના નેજા હેઠળ આવેદનપત્ર મ્યુનિ. કમિશનરને અપાયા બાદ તેમણે હકારાત્મક પ્રતિસાદ આપીને રોજ યુનિયનના અગ્રણીઓને પ્રશ્નોની ચર્ચા ઉકેલ માટે મીટિંગઅર્થે બોલાવ્યા હતા. આવેદનપત્રમાં જુદી જુદી જે માગણીઓ રજૂ કરવામાં આવી હતી, તે સંદર્ભે જે તે વિભાગના વહીવટી વડા પાસેથી માહિતી મંગાવી શું થઈ શકે તેમ છે તેની વિગતો જાણી પાંચ સાત દિવસમાં ફરી મિટિંગ માટે બોલાવવામાં આવશે તેમ મહામંડળના દેવ મુરારીએ જણાવ્યું હતું .