(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૬
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નૂર્મ યોજના હેઠળ ગરીબોને શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો આપવામાં આવ્યા છે આ મકાનનું બાંધકામ તકલાદી હોવાની ફરિયાદો અવારનવાર ઊઠી રહી છે જેમાં આજે આ ફરિયાદને સમર્થન મળતું હોય તેમ મકાનમાં છતનો ભાગ પોપડા સાથે અચાનક તૂટી પડતા એક મહિલા ઘાયલ થઈ હતી. વડોદરાના પૂર્વ વિસ્તાર આજવા રોડ ખાતે કિશનવાડીમાં નૂર્મ યોજનાના આવાસમાં બ્લોક નંબર ૩૫માં ઘર નંબર ૩૧ની અંદરના રૂમમાં છત પરથી પોપડો અચાનક નીચે તૂટી પડ્યો હતો. એ સમયે નીચે મહિલા આરામ કરી રહ્યાં હતા. અચાનક ધડાકા ભેર પોપડો તેમની માથે તૂટી પડ્યો હતો. નીચે આરામ કરી રહેલા મહિલા માથે પોપડો પડતાં ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવારે અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.