(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૭
શહેરમાં દર વર્ષે ઉનાળા દરમિયાન પીવાના પાણીની રામાયણ સર્જાઇ છે. તેમ છતાં સેવાસદન દ્વારા બજેટમાં વરસાદી પાણીનાં નિકાલ માટે બજેટ ફાળવામાં આવે છે. પરંતુ વરસાદી પાણીને રિચાર્જીંગ માટે બજેટ ફાળવવામાં આવતું નથી. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને બદલે જળ સંચય અને ભૂગર્ભજળ રિચાર્જીંગ ઉભી કરવામાં આવે તો, પીવાના પાણીની જે તકલીફ ઉભી થાય છે તે દુર થઇ શકે તેમ છે. તેમ સામાજિક કાર્યકર અને આરટીવીસ્ટ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું.
ચોમાસું આવે છે ત્યારે આપણી અને મહાનગર સેવાસદનની ચિંતા વરસાદી પાણીનાં નિકાલની હોય છે. પરંતુ વરસાદી પાણીનાં જળ સંચય અને ભૂગર્ભજળ રિચાર્જીંગની વ્યવસ્થા કરવામાં આવે તો દર વર્ષે ચોમાસામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે તે સર્જાય નહીં. ઘરનાં નળમાં પાણી આવે છે તો આપણે પીવાનું તેમજ વપરાશ માટે પાણી ભરી લઇએ છે તેમ કુદરતી રીતે ચોમાસામાં વરસતા વરસાદનું પાણી ભૂગર્ભજળમાં સાચવી રખાય તે અંગેની પણ સેવાસદન તથા શહેરીજનોએ વ્યવસ્થા કરવી જોઇએ.
સેવાસદનની ચોખ્ખુ પીવાલાયક પાણી પુરૂ પાડવાની કાયદાકીય જવાબદારી છે. શહેરીજનો પાસે પાણીનો વેરો લે છે. તેથી નાગરીકો માટે પાણીની વ્યવસ્થા કરવી તે સેવાસદનની ફરજ છે. સેવાસદન દ્વારા વરસાદી પાણીના નિકાલને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ ભૂગર્ભજળ રિચાર્જીંગ જોઇએ તેટલું ધ્યાન આપવામાં આવતું નથી. સેવાસદન તેમજ વહીવટી તંત્રની રહેમનજર હેઠળ વિશ્વામિત્રી નદીની કોતરો પુરીને નદીની કુદરતી પુર નિયંત્રણની વ્યવસ્થાને નેસ્તનાબુદ કરવામાં આવી રહી છે. શહેરનાં ભૂગર્ભ જળ રિચાર્જીંગની કુદરતી વ્યવસ્થાઓને પણ નેસ્તનાબુદ કરી નાખવામાં આવી છે. દુઃખ અને આશ્ચર્યની વાત તો એ છે કે, મહાનગર સેવાસદન પાસે કન્ટૂર મેપ જ નથી. શહેરમાં કન્ટૂર મેપ વગરજ બનાવવામાં આવેલ રોડ અને રોડની ઊંચાઇ તેમજ દર વર્ષે વધતી જતી રોડની ઊંચાઇ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું કારણ છે તે બાબત સેવાસદનનાં ધ્યાનમાં આવતી નથી.
પીવાનાં પાણીની ગંભીર સમસ્યાનો નિવેડો લાવવો હોય તો વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થાઓની વાત કરવાને બદલે શહેરમાં ઠેક-ઠેકાણે જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જીંગ વ્યવસ્થા મોટાપાયે ઉભી કરવાની જરૂર છે. વિશ્વામિત્રી નદીની કોતરોમાં કરેલ ગેરકાયદેસર પુરાણને હટાવી નદીની કોતરો ખાલી કરવાની રોહિત પ્રજાપતિએ માંગણી કરી હતી.