(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૨
કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનમાં મસ્જિદો બંધ રહી હતી. જોકે, ૮ જૂનથી ધાર્મિક સ્થાનો શરૂ કરવાની મંજૂરી મળતા આજે વડોદરા શહેરની મસ્જિદોમાં જુમ્માની નમાઝ અદા કરવામાં આવી. નોંધનીય બાબત એ છે કે, મસ્જિદોમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈતિહાસમાં પ્રથમ વખત જુમ્માની નમાઝ ૩ વખત પઢવાનો નિર્ણય મસ્જિદો દ્વારા લેવામાં આવ્યો છે. કડિયા મસ્જિદના મુફ્તી અબ્દુલ વહીદે જણાવ્યું હતું કે, જુમ્માની નમાઝ એક સાથે પઢવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં લઈ સોશ્યિલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે મસ્જિદોમાં અલગ-અલગ ત્રણ વખત જુમ્માની નમાઝ અદા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.