વડોદરા, તા.૧૧
કોરોના મહામારીની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર થતી જાય છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તમામ તહેવારો ની જાહેર સ્થળો પર ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફટાકડા સ્ટોલ માટેના પ્લોટની હરાજી જાહેર કરાતા વિવાદ સર્જાયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટ પર હંગામી ધોરણે દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાના સ્ટોલ ઊભા કરવા જગ્યા ફાળવવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટે જાહેર હરાજી કરાશે. હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટ સાથે અરજી કરવાની છેલ્લી ૧૫ ઓક્ટોબર છે. ૨૧ ઓક્ટોબરે હરાજી કરાશે. કોર્પોરેશનના ૧૯ પ્લોટ પર ફટાકડાના ૪૦થી ૫૦ સ્ટોલ ઉભા કરાશે. આ પ્લોટ ગોરવા, કારેલીબાગ, અયપ્પા ગ્રાઉન્ડ, હરિધામ ફ્લેટ સામે અમરનાથ પુરમ પાસે, મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ, સમા-સાવલી રોડ, સુભાનપુરા રેવા પાર્ક, ગરબા ગ્રાઉન્ડ, વિજયનગર પાસે હરણી ન્યૂ સમા રોડ, સીતાબાગ, છાણી, જકાતનાકા પાસે સહિતના સ્થળે છે. ચાલુ વર્ષે કોરોનાને કારણે શહેરીજનો કોરોના મહામારી અને લોકડાઉન ના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે . તેવામાં પાલિકાની આ હરાજીએ વિવાદ ઉભો કર્યો છે.