ભાજપ-કોંગ્રેસની કચેરીને તાળાં મારી દેવાયાં

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
મ્યુનિ. કમિશનર પી. સ્વરૂપે સી.ઈ.ઓ. (એડમિનિસ્ટ્રેટર) તરીકેનો ગઈકાલે ચાર્જ સંભાળ્યો હતો. એ પછી મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, વિપક્ષી નેતા, ભાજપના નેતા તેમજ ભાજપ અને કોંગ્રેસની કચેરીને તાળા મારી દેવાયા હતા. જેથી ત્યાં કામ કરતા પદાધિકારીઓના પી.એ., ક્લાર્ક સ્ટેનોગ્રાફર સહિતના સ્ટાફની આજે આંતરીક બદલીઓ કરવાનો હુકમ કરાયો હતો.
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સુધીર પટેલે મેયરના પી.એ. એવા ડેપ્યુટી સભા સેક્રેટરી સંજય રાવડેની સભા સેક્રેટરી ઓક્સમાં બદલી કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે આસિસ્ટન્ટ મ્યુનિં. સેક્રેટરી દિલીપસિંહ પરમારની સરકારી મકાનોની આકારણી કામે આકારણી વિભાગમાં બદલી કરવાનો આદશ કર્યો હતો. તે સિવાય ૩ હેડક્લાર્ક, સિનિયર ટાઈપીસ્ટ, બે સ્ટેનોગ્રાફર, સિનિયર ક્લાર્ક, ૩ જુનિયર ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઝેરોક્ષ ઓપરેટર, સહિત સેક્રેટરી વિભાગની કચેરીના ૧૫ કર્મચારીઓની જુદા જુદા વિભાગોમાં બદલીના આદેશો કરાયા હતા. જેમાં વોર્ડ નં.૩, ૧૧, જન્મ-મરણ નોંધણી, ડે. કમિશનરની કચેરી, ઓડિટ શાખા સહિતની વિવિધ કચેરીઓમાં બદલી કરાઈ હતી. તે સિવાય ચાર જમાદાર, ૧૧ પટાવાળા અને સફાઇ સેવક સહિત ૧૭ કર્મચારીઓની પણ વોર્ડ નં.૯ અને ૨,૩,૮,૭,૧૨ તેમજ સંકલન શાખા, પીઆરઓ, આઈટી શાખા સહિતના જુદા-જુદા વિભાગોમાં બદલીઓ કરાઇ હતી. કુલ ૪૧ કર્મચારીઓ પૈકી ૩૨ કર્મચારીઓના બદલીના આદેશો કરાયા હતા. જેને લઈને કોર્પોરેશનની ઓફિસોમાં તાળા લગાડેલા નજરે પડ્યા હતા.