વડોદરા, તા.૧૩
કોર્પોરેશનમાં સમાવવામાં આવેલા વડોદરા નજીકના સાત ગામોના પ્રતિનિધિઓને મળવાનો મુખ્યમંત્રીએ ઈન્કાર કરતા ફરીથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવેલા બિલ, ભાયલી, સેવાસી, કરોડિયા, વેમાલી, વડદલા અને ઉંડેરા ગામોના રહીશોએ કોર્પોરેશનમાં જોડાવાનો ઉગ્ર વિરોધ કરી આંદોલન કરતા માંજલપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મધ્યસ્થી બન્યા હતા. પરંતુ મુખ્યમંત્રીએ મળવાનો ઈન્કાર કરતા સાત ગામોના પ્રતિનિધિઓ ગાંધીનગરથી પરત ફર્યા હતા.
સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ ફરીથી આંદોલન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે આજે સેવાસી ગામની મહિલાઓએ પટેલ વાડીમાં ધૂન કરી સરકારને સદબુદ્ધિ આવે તેની પ્રાથના કરી હતી. જ્યારે બપોરે બિલગામમાં આ જ રીતે મહિલાઓએ ધૂન કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સાત ગામને મનપામાં સમાવેશ કરાતા સીમાંકન શરૂ કરાયું

વડોદરા શહેરની હદમાં સાત ગામોનો સમાવેશ થતા મનપાની આગામી ચૂંટણીમાં બિલગામ વોર્ડ નં.૧૨, ભાયલી વોર્ડ નં.૧૦, સેવાસી, ઉંડેરા અને કરોડિયા વોર્ડ નં.૯-૧૦, વેમાલી વોર્ડ નં.૩ અને વડદલા વોર્ડ નં.૧૯માં સમાવેશ કરાયો છે. આ અંગે સીમાંકન શરૂ કરાયું છે. વડોદરના ૧૯ વોર્ડ યથાવત રહેશે. સાત ગામોના સમાવેશથી ૭૩ હજાર મતદારો વધશે. અનુસુચિત જાતિની બેઠકમાં ગત વર્ષ કરતા પુરૂષની એક બેઠક ઓછી મળશે. મહિલાની બે અનામત બેઠક વધશે. કુલ ૧૬ અનામત બેઠકો રહેશે મહિલાની ૩૮ બેઠક થશે. હાલમાં સીમાંકનની કામગીરીના નકશા બનાવવાનું ચાલુ છે. દસ દિવસમાં કામ પૂર્ણ થયા બાદ સીમાંકન અંગે દરખાસ્ત સરકારને મોકલી આપવામાં આવશે.