(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર નવલખી કંપાઉન્ડ પાસે રોડ ક્રોસ કરતાં એક યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. રાવપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતોનુસાર વડોદરા શહેરના નવલખી કંપાઉન્ડમાં રહેતા લક્ષ્મણ રાવ સીતારામ પવાર (ઉ.વ.૪૫) ગઇકાલે સાંજે નવલખી કમ્પાઉન્ડના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતા તે દરમિયાન આ રોડ પરથી પુરઝડપે પસાર થતા અજાણ્યા વાહન ચાલકે લક્ષ્મણરાવ પવારને અડફેટે લીધા હતા. આ બનાવમાં લક્ષ્મણરાવને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લઇ જવાયા હતા. આ અકસ્માતના બનાવને પગલે લક્ષ્મણરાવના સગા સયાજી હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા અને સારવાર તબીબે લક્ષ્મણરાવને ગંભીર ઇજાઓ થવાથી મૃત જાહેર કરાયા હતા. આ અકસ્માત મોતના બનાવની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડરૂમ ખાતે ખસેડવામાં આવ્યે હતો.