(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૧૦
વડોદરા રેલ્વે સ્ટેશન પાછળ રીર્ઝવેશન સેન્ટર ખાતે રીર્ઝવેશન ટીકીટ કરાવવા ગયેલા મુસાફરોએ આજે રીર્ઝવેશન સેન્ટર ખાતે ગેરકાયદેસર એજન્ટો અડ્ડો જમાવી અધિકારીઓની મેળાં પીપણાંથી ટીકીટો કઢાવી જતાં હોવાથી મુસાફરોને ટીકીટો મળતી ન હોવાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. બનાવને પગલે રેલ્વે પોલીસ તથા આરપીએફ પણ સ્થળ પર દોડી આવી હતી.
મળતી વિગતો અનુસાર વડોદરા રેલ્વે સ્ટેશન પર રીર્ઝવેશન સેન્ટર પર તત્કાલ સેવા સહિત વિવિધ ટ્રેનોમાં રીર્ઝવેશન માટે રોજે રોજ મુસાફરોની લાઇન કતારો લાગતી હોય છે. જ્યારે આજે કેટલાક એજન્ટોને બારોબાર ટીકીટો આપી દેવામાં આવતી હોવાનાં આક્ષેપ સાથે રીર્ઝવેશન કરાવવા આવેલા મુસાફરોએ ભારે હોબાળો મચાવી મુકયો હતો. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે, રેલ્વેનાં રીર્ઝવેશન સેન્ટરનાં કેટલાક કર્મચારીઓ બહારનાં એજન્ટો સાથે સાંઠગાંઠ કરી તેઓને કન્ફર્મ ટીકીટો આપી દે છે. જેથી લાઇનોમાં ઉભા રહેતા મુસાફરોને ટીકીટો મળતી નથી. મુસાફરોએ ભારે હોબાળો મચાવતાં રેલ્વે પોલીસે તથા આરપીએફ પણ સ્થળ પર દોડી આવી હતી તથા ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.