(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
શહેરમાં પર્યાવરણ બચાવોની ગુલબાંગો પુકારવામાં આવે છે. વૃક્ષો વાવોની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ તે માત્ર નામનાં હોય તેમ લાગી રહ્યું છે. પાલિકાને રોડ-રસ્તાની બાજુમાં અથવા તો શહેરમાં ગમે તે સ્થળે વૃક્ષ છેડન કરવાનું સર્ટીફીકેટ મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વામિત્રી બ્રિજ નજીક રવિવારે રોડ બનાવવા અનેક વૃક્ષો કાપી નાખતા પર્યાવરણવાદીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વડોદરાને સ્માર્ટ સીટી બનાવવા માટે રોડ-રસ્તાઓ પહોંળા કરવામાં આવી રહ્યાં છે. તેમજ શહેરનાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સૌથી લાંબો ઓવરબ્રિજ આવી રહ્યો છે. આ ઓવરબ્રિજના માર્ગ પર આવતા હજારો વૃક્ષો પાલિકા દ્વારા દુર કરવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા લાખો – કરોડો રૂપિયા ખર્ચીને વૃક્ષ બચાવ… જીવન બચાવ… તેમ વૃક્ષો વાવો… ની જાહેરાતો કરવામાં આવે છે. જ્યારે શહેરમાં પાલિકા તંત્ર દ્વારા રોડ-રસ્તા કે બ્રિજ બનાવતી વખતે માર્ગમાં આવતા અનેક વૃક્ષોનું છેડન કરી નાખવામાં આવે છે. શહેરનાં વિશ્વામિત્રી બ્રિજ નજીક રોડ બનાવવાની કામગીરીમાં એક સાથે ૭ જેટલા વૃક્ષોનું રવિવારે છેદન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં વિશ્વામિત્રી બ્રિજની સમાંતર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે મુજમહુડાથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જતા માર્ગ પર મહેન્દ્રા ટ્રેકટર કંપની પાસે એક સાથે વર્ષો જુના ૭ જેટલા વૃક્ષોને કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓને ભારે દુઃખ થયું હતું.