(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૮
વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની દશ બેઠકો પૈકી ભાજપે આઠ અને કોંગ્રેસે બે બેઠકો મેળવી છે. સાવલી, વાઘોડિયા, ડભોઇ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરામાં, માંજલપુર બેઠક ઉપર ભાજપે પુનઃ વિજય હાંસલ કર્યા છે. જ્યારે પાદરા અને કરજણ બેઠક કોંગ્રેસે મેળવી છે.
પોલીટેકનીક કોલેજ ખાતે દશેદશ વિધાનસભા બેઠકોની મતગણતરીનો સવારે આઠ વાગ્યે પ્રારંભ થયો હતો. શરૂઆતમાં પોસ્ટલ પેપરના મત ગણવાની શરૂઆત થયા પછી ઇવીએમ મશીનોમાં પડેલા મતની ગણતરી હાથ ધરવામાં આવી હતી. પોલીટેકનીક બહાર કોંગ્રેસ-ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના કાર્યકરો-ઉમેદવારોના ટેકેદારો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
મતગણતરીની એટલી ધીમી ગતિએ ચાલતી હોવાથી મિડીયાકર્મીઓ અને મથક બહાર ઉભેલા હજારો કાર્યકરો ગણતરીના આંકડા મેળવવા ઉત્સુક હોવા છતાં આંકડા મળતા ન હતા. મતગણતરીની આંકડાકીય માહિતી મિડીયા સેન્ટર સુધી પહોંચાડવામાં ભારે વિલંબ કરવામાં આવ્યો હતો. જે તે વિધાનસભાના રીટનીંગ અધિકારીઓ મનસ્વીપણે વર્તન કરતા નજરે પડયા હતા.
છેક સાંજે ચાર વાગ્યે ફાઇનલ આંકડાઓ મિડીયાકર્મીઓને આપવામાં આવ્યા હતા. વિધાનસભાની દશ બેઠકોના જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ તેમ મતદાન મથક બહાર ઉમેદવારોના ટેકેદારોએ વિજયઘોષ કરી ફટાકડા ફોડયા હતા. વિજેતા ઉમેદવારો જેમ જેમ મતદાન મથકની બહાર આવતા ગયા તેમ તેમ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
સૌથી વધુ આશ્ચર્ય જનક પરિણામ ડભોઇ બેઠકનું આવ્યું હતું. આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સિધ્ધાર્થ પટેલનો વિજય નિશ્ચત મનાતો હતો. પરંતુ ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાનો માત્ર ૨૮૩૯ નજીવી સરસાઇથી વિજય થયો હતો. શૈલેષ મહેતાએ હારની બાજી જીતમાં ફેરવી હતી. તેમણે ચલાવેલું હિન્દુ કાર્ડ ફળ્યું હતું.
કોંગ્રેસે મેળવેલી કરજણ બેઠક ઉપર ઉમેદવાર અક્ષય પટેલ તેમના હરીફ ભાજપના સતિષ પટેલ સામે માત્ર ૩૫૬૪ મતની સરસાઇથી વિજય હાંસલ કર્યો છે. અક્ષય પટેલ ૨૦૧૨ની વિધાનસભા હારી ગયા હતા. આમ આ બેઠક રસાકસી પૂર્ણ રહી છે.
એવી જ રીતે પાદરા બેઠક પણ ભારે રસાકસી પૂર્ણ રહી છે. કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોર (પઢિયાર) તેમના હરીફ ભાજપના ઉમેદવાર દિનેશ પટેલ (મામા) સામે ૧૯૦૨૭ મતની સરસાઇથી વિજય થયો હતો. જશપાલસિંહ ૨૦૧૨ની ચૂંટણીમાં ખૂબ ઓછા મતથી હારી ગયા હતા. અને દિનેશ પટેલ જીત્યા હતા.
આમ કોંગ્રેસે પાદરા અને કરજણ બેઠક ઉપર ભાજપના સીટીંગ ધારાસભ્યોની વિકેટ ખેરવી વિજય હાંસલ કર્યો હતો. જ્યારે ભાજપે વડોદરા શહેરની પાંચે પાંચ બેઠકો, વડોદરા શહેર, રાવપુરા, સયાજીગંજ, અકોટા અને માંજલપુર બેઠકો જાળવી રાખવા ઉપરાંત ગ્રામ્યની ત્રણ બેઠકો વાઘોડિયા, સાવલી, ડભોઇ ઉપર જીત હાંસલ કરી હતી. વાઘોડીયા અને સાવલીમાં ભાજપે રીપીટ બન્ને ઉમેદવારો પુનઃ ચૂંટાઇ આવ્યા છે.