વડોદરા, તા.ર૬

કોરોના મહામારીમાં પોઝિટિવ કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે અને આવનારો સમય હજી વધુ કપરો હશે તે ચોક્કસ છે ત્યારે તેમાં કામ કરતા હેલ્થ કેરનો સ્ટાફ સ્વસ્થ અને સલામત હોઈ તે અત્યંત જરૂરી છે. તેવામાં હેલ્થ કેરનો સ્ટાફ દર્દીઓના બની શકે તેટલા ઓછા સંપર્કમાં આવે તે માટે હવે રોબોટથી મદદ લેવાઈ રહી છે. શહેરની બે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં ૭ રોબોટ કામ કરી રહ્યા છે. હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે, ત્યારે હવે રોબોટનો સેફેસ્ટ વિકલ્પ શોધાયો છે. વોર્ડમાં દર્દીઓને દવા-ભોજન રોબોટ પહોંચાડે છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમાં તબીબોની સાથે મેડિકલ સ્ટાફ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ દિવસ રાત ખડેપગે કોરોનાના દર્દીની સારવારમાં લાગ્યા છે. કોરોનાના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવવાથી હેલ્થ કેરના સ્ટાફને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. આ સંભાવના સામે હકારાત્મક રીતે આગળ વધતા હવે રોબોટને કામે લગાડવામાં આવ્યા છે. સ્ટાફના એવા કેટલાક કામ હોય છે. જેના ઓલ્ટરનેટ તરીકે રોબોટ સારી રીતે કામ કરી શકે છે. જેના પગલે શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં રોબોટને મૂકવામાં આવ્યા છે, જ્યારે શહેરની બે ખાનગી હોસ્પિટલમાં પણ રોબોટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં અગાઉ ર સરકારી એટલે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં અને બે ખાનગી હોસ્પિટલમાં પાંચ રોબોટ મૂકવામાં આવ્યા છે. રોબોટ આપનાર ડૉ. વિજય શાહના જણાવ્યા અનુસાર આ રોબોટ હેલ્થ કેર વર્કરની ગરજ સારે છે. સામાન્ય રીતે કોવિડના દર્દીને દિવસમાં અનેક વખત દવા તેમજ જમવાનું આપવાનું હોય છે. જેમાં હેલ્થ કેરનો સ્ટાફ આ કામગીરી કરતો હોય છે. દર્દી સાથે સંપર્કમાં આવવાથી તેઓને ચેપ લાગવાની શક્યતા વધારે રહેલી છે. ત્યારે રોબોટ દર્દીને જમવાનું આપવાની સાથે દવા પણ આપવા જઈ શકે છે અને હેલ્થ કેરનો સ્ટાફ કોવિડની અન્ય કામગીરી કરી શકે છે. હાલમાં ખાનગી કંપની દ્વારા પણ સયાજી હોસ્પિટલમાં બે રોબોટ આપવામાં આવ્યા છે. આ રોબોટ દર્દીને જમવાનું અને દવા આપવાની સાથે તેમના શરીરનું તાપમાન માપવાની પણ કામગીરી કરે છે. રોબોટ વોર્ડના પ્રવેશદ્વાર પર સુરક્ષાકર્મી જેવું પણ કામ કરે છે. રોબોટ દરવાજા પર પ્રવેશનાર વ્યક્તિનું સ્ક્રીનિંગ કરશે, માસ્ક નહીં પહેર્યું હોય તો એલર્ટ આપશે અને જતા રોકશે. સ્ટાફની હાજરી પણ પૂરશે.