વડોદરા, તા.૧૧
કોરોના મહામારીની વચ્ચે સરકારી હોસ્પિટલો ઉપરાંત પણ વડોદરા શહેરમાં ૧૦૦થી વધુ ખાનગી હોસ્પિટલોને પણ કોરોના સારવારની મંજૂરી આપી છે. જેમાં કેટલીક હોસ્પિટલો રહેણાક વિસ્તારમાં હોવાથી સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર વિરોધ થતો રહ્યો છે જેમાં આજે ફતેગંજ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ હોસ્પિટલ ખાતે સ્થાનિક રહીશોએ હોસ્પિટલ બંધ કરાવવાની અને પરવાનગી રદ કરવાની માગણી સાથે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ફતેગંજના કમાટી પુરામાં અગાઉ તમામ પ્રકારની સુવિધા આપતી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની સારવાર આપવા અંગેની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મંજૂરી આપવામાં આવી હતી. નવી શરૂ થયેલી કોવિડ હોસ્પિટલ સિદ્ધાર્થ હોસ્પિટલનો વિરોધ થયો હતો. સ્થાનિક રહીશોએ ફતેગંજ કમાટીપુરા પાસે આવેલી સિદ્ધાર્થ હોસ્પિટલ ખાતે એકઠા થઇ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યો હતો અને માગણી કરી હતી કે હા કોરોના હોસ્પિટલને તાત્કાલિક અસરથી પરવાનગી રદ કરવામાં આવે તે જરૂરી છે. સ્થાનિક રહીશો નજમા બેન શેખ કિરણ સોની તથા ઝાકિર ભાઈએ જણાવ્યું હતું કે, માત્ર સાત દિવસ અગાઉ જ શરૂ થયેલી સિદ્ધાર્થ કોરોના હોસ્પિટલને રહેણાંક વિસ્તાર હોવા છતાં મંજૂરી આપી છે તે અયોગ્ય છે. આ પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરી દેવી જોઈએ કારણ કે ફતેગંજ વિસ્તાર કોરોના મુક્ત વિસ્તાર છે ફતેગંજ વિસ્તારમાં કોઈ ખાસ કોરોનાના કેસ નોંધાયા નથી એટલું જ નહીં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ પણ એક જ રૂમમાં રહેવાને બદલે બહાર અવર-જવર કરતા નજરે પડતા હોય છે જેથી ફતેગંજની આજુબાજુની સોસાયટીમાં રહેનારા લોકો ભવિષ્યમાં સંક્રમિત થાય તેવી પણ શક્યતા રહેલી છે.