વડોદરા, તા.૯
વડોદરા શહેરમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન આજે એક કોરોના વોરિયર તબીબ સહિત વધુ ૪ દર્દીના મોત થયા છે. વાઘોડિયા રોડની પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ૪૬ વર્ષીય ફિઝિશિયન તબીબનું ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત વડસર રોડ પર રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધ, મદનઝાપા રોડ પર રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ અને સાવલી તાલુકાના નાની ભાડોલ ગામના ૪૩ વર્ષીય યુવાનનું મોત થયું છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની કુસ સંખ્યા ૨૭૮૫ ઉપર પહોંચી છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૨૦૧૯ દર્દી રિક્વર થયા છે. વડોદરામાં અત્યારે કુલ ૭૦૯ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૨૮ ઓક્સિજન ઉપર અને ૩૨ વેન્ટિલેટર-બી પેપ ઉપર છે અને ૫૪૯ દર્દીઓ હાલત સ્થિર છે. વડોદરા શહેરમાં અત્યારે કુલ ૧૨૦૭ દર્દીઓ ક્વોરન્ટાઈન છે. જે પૈકી ૧૧૦૬ દર્દી હોમ ક્વોરન્ટાઈન છે, ૮૫ દર્દી સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન છે અને ૧૬ દર્દી પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન છે.