(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
વડોદરા શહેરમાં છેલ્લાં ૨ દિવસથી વરસાદ થંભી ગયો છે અને આજે ઉઘાડ નિકળ્યો હતો. આજવા સરોવર અને વિશ્વામિત્રીની સપાટીમાં પણ ઘટાડો શરૂ થયો છે. જેને પગલે શહેરમાં ભરાયેલા પાણી ઉતરવા માંડતા શહેરીજનોને થોડી રાહત થઇ છે. આજે બપોરે સતત ૧ કલાક વરસાદ પડતા વહીવટી તંત્ર સાથે શહેરીજનોનાં જીવ ટાળવે ચોંટ્યા હતા. ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરંતુ બાદમાં રોકાઇ જતાં શહેરીજનો હાશકારો અનુભવ્યો હતો.
વડોદરા શહેરમાં બુધવારનાં રોજ આખો દિવસ પડેલા ૨૦ ઇંચ વરસાદને પગલે તેમજ આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે વિશ્વામિત્રીમાં પુર આવતા આખુ શહેર બેટમાં ફેરવાઇ ગયું હતું. સતત બે દિવસ સુધી પાણીમાં રહેલા શહેરીજનોને બે દિવસ વરસાદ નહીં પડતા શાંતિ થવા પામી હતી. તેમાં પણ આજે વિશ્વામિત્રીની સપાટી સાંજે ૭ વાગે ૩૧.૧૫ તથા આજવાની સપાટી ૨૧૧.૯૫ થતા થોડી રાહત થવા પામી હતી. આજવા સરોવરની સપાટી ૨૧૩ ફુટ થઇ હતી. જેને પગલે આજવાનાં ૬૨ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. જે ૨૧૧ ફુટનાં લેવલે રાખવામાં આવ્યા છે. જ્યારે પાણીનું લેવલ ૨૧૧ ફુટ થશે એટલે ૬૨ દરવાજામાંથી પાણી બંધ થઇ જશે. હાલ ૩૦૯૪ કયુસેક પાણીની આવક વિશ્વામિત્રીમાં થઇ રહી છે. આજવા સરોવરમાં સરકારી ગાઇડલાઇન મુજબ ૧૫ ઓગષ્ટ સુધી ૨૦૧૧ ફુટથી વધુ પાણી ભરી શકાતું નથી.
વિશ્વામિત્રીની સપાટી પણ નીચે આવતા અને આજવા સરોવરની સપાટી પણ ૨૧૧ તરફ જઇ રહી છે. જેથી આજે આરાધના સિનેમા, એસએસજી હોસ્પિટલ, જેલ રોડ, અકોટા ગાય સર્કલ, અકોટા ગાર્ડન, મુંજમહુડા, અક્ષર ચોક સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરવા માંડ્યા હતા. જેને પગલે લોકોએ રાહત અનુભવી હતી. હજુ પણ વિશ્વામિત્રીની સપાટી ભયજનક સપાટીની ઉપર વહી રહી હોવાથી વિશ્વામિત્રીનાં કિનારાવાળા વિસ્તારોમાં જેવા કે, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠુ, અકોટા, રેલ્વે સ્ટેશન, જેતલપુર અને અલકાપુરી ગરનાળા, સમા વિસ્તાર, કારેલીબાગ, મુંજમહુડા સહિતનાં વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. આ વિસ્તારોમાં હજુ પણ કેડસમા પાણી ભરાયેલા છે.