વડોદરા, તા.ર૬

શહેરમાં કોરોના તંત્ર દ્વારા શહેરભરમાં શરૂ કરાયેલા ધન્વંતરિ રથના અસરકારક પરિણામો મળ્યા છે. વિવિધ વિસ્તારોમાં ફરીને બીમાર વ્યક્તિઓને શોધી કાઢીને તેમને દવા અને જરૂરી સારવાર આપતા આ રથોને લીધે કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ડોર ટુ ડોર સર્વેલન્સમાં પણ આ જ પેટર્ન જોવા મળી છે. આ આંકડાઓ જોતા આગામી દિવસોમાં કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાય તેવી આશા જન્મી છે. કોરોના તંત્ર દ્વારા ૧થી ૧પ જુલાઈ દરમિયાન ૧૭ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ચલાવવામાં આવ્યા હતા. આ રથ દ્વારા કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા ૪૦૬૧ દર્દીઓ ૧પ દિવસમાં શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૬મી જુલાઈથી આ રથોની સંખ્યા બમણી એટલે કે ૩૪ કરવામાં આવી હતી અને તેમાં ૧૦ દિવસમાં માત્ર ૩૧૪ર કેસો મળ્યા હતા. આ કેસોમાં કોરોનાના હળવા લક્ષણો જેવા કે ઝાડા થવા, શરીર તૂટવું, થાક અને પેટની ફરિયાદો હોય તેવા દર્દીઓ ૧૯૩ર મળ્યા હતા. જ્યારે મધ્યમ પ્રકારના લક્ષણો એટલે કે, શ્વસનતંત્રની તીવ્ર ફરિયાદ, ઈન્ફ્લુએન્ઝાના ર૧ર૩ દર્દીઓ મળી આવ્યા હતા. આ તમામ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. કોરોના જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડા વિશે કોરોના ઓએસડી ડૉ.વિનોદ રાવે જણાવ્યું કે, ‘આ આંકડાઓ પરિસ્થિતિ સુધરે તેવી શક્યતા દર્શાવે છે આજે જે દર્દીઓનાં મોત થઈ રહ્યા છે તે ર૦ દિવસ પહેલાંનું સંક્રમણ છે. જો આ રથ અને ડોર ટુ ડોર રથની સંખ્યા વધી હોત તો કેસ ડબલ થાય તેવી શક્યતા સર્જાઈ હોત પણ આ આંકડાઓ જોતા સુધારાની શક્યતા છે.’