વડોદરા, તા.૧૩
લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને ભાડું ચૂકવીને વતન મોકલવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ આદેશ કર્યો છે. જે આદેશના પગલે શહેર કોંગ્રેસ દ્વારા ર૦૪ પરપ્રાંતિયોને પ્રતિ વ્યક્તિ દીઠ રૂા.૬૦૦ ચૂકવીને તેઓના વતન રવાના કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના આદેશ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા શ્રમિકોની યાદી બનાવવામાં આવી હતી અને શ્રમિકોની વાસ્તવિક પરિસ્થિતિ અને સરકારની લાચારી અને કેટલાક લોકોના રાજકારણ વચ્ચે પણ આ યાદીને લઈ કલેક્ટર સમક્ષ શ્રમિકોને વતન મોકલવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આજે ઉત્તરપ્રદેશ જનાર ટ્રેનમાં કોંગ્રેસ પક્ષની યાદીમાંથી જે નામ આવ્યા તે નામના ર૦૪ લોકોને આજે કોંગ્રેસ પક્ષમાંથી રૂા.૬૦૦ દરેક વ્યક્તિ દીઠ ભાડું ચૂકવવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકર, શહેર ઉપપ્રમુખ અશોક ગુપ્તા, મ્યુ. કાઉન્સિલર અનિલ પરમાર, પ્રદેશના નેતા નિલેશ બ્રહ્મભટ્ટ, અજય સાટિયા, ચિરાગ શાહ, મેહુલ પંડ્યા સાથે અન્ય લોકો જોડે રહી વોર્ડ નં.રની ઓફિસ, વોર્ડ નં.૩ની ઓફિસ અને નર્મદભવન ખાતે પરપ્રાંતિયોને રૂા.૧,રર,૪૦૦ રૂપિયા રોકડમાં આપ્યા હતા અને તેઓને વતન રવાના કર્યા હતા.