વડોદરા, તા.૬
આતંકવાદી સંગઠન અલ-કાયદાએ લોન વુલ્ફ-એટેકની આપેલી સાઈબર ધમકીના પગલે વડોદરા શહેર-જિલ્લા પોલીસતંત્ર અને વડોદરા મહાનગરપાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે. પાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલી પાણીની ટાંકીઓ તેમજ વડોદરા નજીક આવેલા વોટર શુદ્ધિકરણ પ્લાન્ટો ઉપર ચેંકિગ કરવામાં આવ્યું હતું.
અલ-કાયદા ઈન્ડિયન સબ કોન્ટિનન્ટ દ્વારા ૯મેના રોજ વેબસાઈટ અબાબિલ મીડિયા હાઉસના નામથી ચેનલની શરૂઆત કરી છે અને આ ચેનલના માધ્યમથી વૈશ્વિક જેહાદના ભાગરૂપે લોન વુલ્ફ એટેકના આયોજન અને અમલ અંગે વીડિયો અપલોડ કરતા કેન્દ્રના ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સમગ્ર દેશના રાજ્યોને ગુપ્ત પત્ર લખીને એલર્ટ કરી દેવામાં આવ્યું છે, જેના પગલે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પણ વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન અલ-કાયદા દ્વારા આપવામાં આવેલી ધમકીના પગલે વડોદરા શહેર-જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ વડોદરા શહેરમાં આવેલી તમામ પાણીની ટાંકીઓ તેમજ વડોદરા નજીક આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા કર્મીઓને શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસ તંત્રને તુરંત જ જાણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.