(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૪
વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં લેવાયેલા ૧૪૮ સેમ્પલમાંથી ૩૯ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ૧૦૯ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ વડોદરા શહેરના બરામપુરા, પથ્થરગેટ, ખોડિયારનગર, આર.વી. દેસાઈ રોડ, પોલો ગ્રાઉન્ડ, વાઘોડિયા રોડ, નવાયાર્ડ, બાપોદ, આજવા રોડ, વાડી, ગોત્રી રોડ, ચોખંડી, વારસિયા અને ઓપી રોડ પર નોંધાયા છે. આ ઉપરાંત શિનોરના દામનગર અને સાવલીના મીઠાપુરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૧૯૧ ઉપર પહોંચી ગઈ છે. સત્તાવાર મૃત્યુઆંક ૪પ થયો છે. આજે વધુ ૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાતા અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક ૭ર૦ ઉપર પહોંચી ગયો છે. અત્યારે ૪ર૬ દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી ૩૯ ઓક્સિજન ઉપર અને રર વેન્ટિલેટર પર છે, જ્યારે ૩૬પ દર્દી સ્ટેબલ છે. વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલી અક્ષતા સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય ભારતીબહેન વિઠ્ઠલદાસ શેઠનું કોરોના વાયરસથી મોત નિપજ્યું છે. તેઓની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓને વેન્ટિલેટર ઉપર રખાયા હતા. દરમિયાન તેઓનું વહેલી સવારે મોત નિપજ્યું હતું. કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.