વડોદરા, તા.૩
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસની સારવાર દરમિયાન ૪૩ દર્દીનાં મોત થયા છે. જો કે, પાલિકાએ રાજ્ય સરકારે સોંપેલા ઓડિટ રિપોર્ટમાં માત્ર ૭ દર્દીના જ કોરોના વાયરસથી મોત થયા હોવાનું જાહેર કર્યું છે. જ્યારે બાકીના ૩૮ દર્દીનાં મોત અન્ય બીમારીઓથી થયા હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે. આમ માત્ર ૧પ.પપ ટકા દર્દીના મોત કોરોના વાયરસથી થયા છે જ્યારે ૮૪.૪પ ટકા દર્દીના મૃત્યુ અન્ય બીમારીઓથી થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસની સારવાર દરમિયાન બિનસત્તાવાર મોતનો આંકડો ૧૦૦ની નજીક પહોંચી ગયો છે. જો કે, પાલિકા દરેક દર્દીના મૃત્યુનું ઓડિટ કરીને રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ કર્યા બાદ જ દર્દીના મૃત્યુની જાહેરાત કરતી હોવાથી અત્યાર સુધી માત્ર ૪પ દર્દીના મૃત્યુ જાહેર કર્યા છે. જો કે, ૪પ દર્દી પૈકી ૭ દર્દીના કોરોના વાયરસથી મોત થયા હોવાનું પાલિકાના ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું જ્યારે ર૬ દર્દીના મલ્ટીપલ કો-મોબિર્ડિટીથી મોત થયા છે. ૮ દર્દીના હાઈપરટેન્શનથી, ૩ દર્દીના ડાયાબિટીસથી અને એક દર્દીનું ડેન્ગ્યુની બીમારીથી મોત થયું છે.