કલેક્ટરે બ્લેક સ્પોટ શોધી તેને ઝડપથી દૂર કરવા કહ્યું
વડોદરા, તા.૬
વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે જિલ્લા કલેક્ટરે સ્ટેટ હાઈવે સહિત જિલ્લાના મુખ્ય માર્ગો પરના અકસ્માતો સર્જાતા હોય તેવા સ્થળો એટલે કે બ્લેક સ્પોટ શોધી તેને ઝડપથી દૂર કરવા કહ્યું છે. સ્ટેટ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જ્યાં ટ્રાફિકનું ભારણ વધુ હોય તેવા મોટા રસ્તાઓનું ઝડપથી રોડ સેફ્ટી ઓડિટ હાથ ધરવા તેમણે સૂચના આપી છે. જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા પોલીસ દ્વારા જે બ્લેક સ્પૉટની ઓળખ કરવામાં આવી છે. તેવા સ્થળોએ માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અગ્રતાના ધોરણે માર્ગ-મકાન વિભાગ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે જરૂરી કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરાઇ હતી. અકસ્માતનું પ્રમાણ ઘટાડવા ખાનગી વાહનોમાં વધુ પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનચાલકો તેમજ ટ્રાફિકનો ભંગ કરતા નાગરિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને ટ્રાફિક અવેરનેસ અભિયાન હાથ ધરવામાં આવશે.
આરટીઓ દ્વારા જણાવાયું હતું કે, વડોદરા શહેર-જિલ્લામાં વર્ષ ૨૦૧૯ માં ૧૨૨૧ અકસ્માતમાં ૪૭૪ વ્યક્તિઓના મરણ થયા હતા. જ્યારે નવેમ્બર ૨૦૨૦ સુધીમાં ૫૧૨ અકસ્માતો નોંધાયા હતા. જેમાંથી ૩૮૦ વ્યક્તિના મૃત્યુ થયા હતા. આરટીઓ આગામી સમયમાં ટ્રાફિક જાગૃતિ અભિયાનની ઉજવણી કરશે.
જ્યારે નાયબ પોલીસ અધિક્ષકએ કહ્યું હતું કે, શહેર જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા પોલીસે વર્ષ ૨૦૨૦માં હેલમેટના ૧૫,૮૬૫ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના ૧૨૨૦ સીટબેલ્ટના ૫૨૫૬ વાહનમાં વધુ પેસેન્જર બેસાડવાના ૧૭૫ ઓવરલોડિંગ વાહનના ૨૧ મોટર વ્હીકલ એક્ટના ૯૦૪૫ અને પીયુસી ભંગના ૭૩ કેસ કરવામાં આવ્યા હતા.
Recent Comments