વડોદરા,તા.૯
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં આજ વધુ ૩ર પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંક ૧૩૭ર પર પહોંચી ગયો છે. વડોદરા શહેર-જિલ્લામાં આજે વધુ ૧પ દર્દીંને ડિસ્ચાર્જ કરાતા કોરોનાને મ્હાત આપી સાજા થનારની સંખ્યા ૮૭૧ પર પહોંચી ગઈ છે. જોકે વડોદરામાં ક્રિટીકલ દર્દીઓની સંખ્યા ૯ર ઉપર પહોંચી ગઈ છે. જેમાંથી ૬૦ દર્દી ઓક્સિજન ઉપર અને ૩ર દર્દી વેન્ટીલેટર ઉપર છે. વડોદરા શહેરમાં આજે હાથીખાના, વાડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ફતેપુરા, રાણાવાસ, બરાનપુરા અને યાકુતપુરામાં કોરોના વાયરસના કેસો નોંધાયા છે. તો વડોદરા ગ્રામ્યમાં કરજણ, સેવાસી, ડભોઈ અને પાદરામાં કોરોના વાયરસના કેસો નોંધાયા છે.
વડોદરા શહેરમાં કોરોના વાયરસની સારવાર દરમ્યાન આજે વધુ ર દર્દીનાં મોત થયા છે. જેમાં શ્રીકાંત યાદવ (ઉ.વ.૭૦), (રહે.કુંભારવાડા, ફતેપુરા)નું આજે વહેલી સવારે સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું જ્યારે રમેશચંદ્ર તિવારી (ઉ.વ.૭૦), (રહે.વાડી)નું ખાનગી હોસ્પિટલમાં રાત્રે સાડા ત્રણ વાગ્યે મોત થયું હતું બંનેના મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમ ખાસવાડી સ્મશાન લઈ ગઈ હતી. જ્યાં બંનેના અંતિમ સંસ્કાર કરાયા હતા.