(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
શહેરમાં કોરોનાના બેકાબૂ બનેલા સંક્રમણના પગલે હોસ્પિટલો લોકોથી ઉભરાઈ રહી છે. તંત્ર દ્વારા ગણતરીના દિવસોમાં વેન્ટિલેટરની સંખ્યા વધારવામાં આવી હતી, આમ વડોદરામાં વેન્ટિલેટરની સંખ્યા ૧૦૦૦ને પાર કરી ગઈ હતી, પણ કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના કારણે આજે એવી સ્થિતિ છે કે, વડોદરામાં હવે માત્ર ૧૯ વેન્ટિલેટર ઉપલબ્ધ છે, આમ ઓક્સિજનની સાથે-સાથે હવે વડોદરાના તંત્ર માટે વેન્ટિલેટરની સર્જાઈ રહેલી અછત પણ ચિંતાનો વિષય બની રહી છે.
ખાલી બેડમાં પણ ૧૧ તો ગોત્રી હોસ્પિટલના વેન્ટિલેટર વગરના ૧૫૦૩ આઈસીયુ બેડમાંથી પણ માત્ર ૧૨૪ બેડ ખાલી કોર્પોરેશનની વેબસાઈટ પર સત્તાવાર રીતે આ આંકડો દર્શાવવામાં આવ્યો છે. આ આંકડા પ્રમાણે વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળીને વેન્ટિલેટર સાથેના ૧૧૩૪ બેડ છે અને હાલમાં ૧૧૧૩ બેડ ભરેલા હોવાના કારણે માત્ર ૧૯ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ પૈકીના ૧૧ ગોત્રી હોસ્પિટલમાં અને બાકીના નવ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં છે. સયાજી હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે વેન્ટિલેટર ઉપલબ્ધ નથી. વેન્ટિલેટર વગરના આઈસીયુ બેડ પણ મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં ભરાઈ ચૂકેલા છે. વડોદરા શહેરમાં ઉપલબ્ધ ૧૫૦૩ આઈસીયુ બેડ પૈકી હાલમાં ૧૨૪ જ બેડ ખાલી છે અને આ પૈકીના ૫૬ બેડ ગોત્રી અને સમરસ હોસ્ટેલમાં બનાવેલી નવી કોવિડ હોસ્પિટલના છે.
ઓક્સિજન સપ્લાય સાથેના બેડની વાત કરવામાં આવે તો ૫૭૯૯ બેડ પૈકી ૪૮૧૯ બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, આમ આ કેટેગરીના પણ ૯૮૦ જ બેડ હાલના તબક્કે ખાલી છે. સૌથી વધારે ખાલી બેડ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટેના છે.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આવા કુલ બેડની સંખ્યા ૫૩૩૪ છે અને આ પૈકીના ૨૦૯૫ બેડ હાલમાં ઉપલબ્ધ છે.