(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૪
વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર વિજય શાહના આજે જન્મદિવસ નિમિત્તે વિવિધ સ્થળો ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો સરેઆમ ભંગ કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનો આજે જન્મદિવસ હતો, તે નિમિત્તે ધાર્મિક સ્થાનો તેમજ સરકારી હોસ્પિટલોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, તે દરમિયાન તેઓને શુભેચ્છા પાઠવવા માટે કાર્યકરો પણ અલગ-અલગ જગ્યાએ જોડાયા હતા. જન્મદિવસની શુભેચ્છા પાઠવવા યોજાયેલા વિવિધ કાર્યક્રમો દરમિયાન ગ્રુપ ફોટો અને વીડિયો ઉતારવામાં આવ્યા હતા. તેમાં કેટલાક કાર્યકરોએ અને ખુદ પ્રમુખે પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગેના નિયમોનો ભંગ કર્યાનું જણાઈ આવ્યું હતું. તાજેતરમાં શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ પણ તેમના જન્મદિવસની ઉજવણી ભાજપ કાર્યાલય ખાતે કરી હતી. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો કે, બાદ તેઓની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને અટકાયત પણ થઈ હતી. હવે જોવાનું રહે છે કે, શહેર ભાજપ પ્રમુખ સામે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ ? આજના વિવિધ કાર્યક્રમોમાં કાર્યકરો દ્વારા જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો. તેના ફોટો અને વીડિયો વાયરલ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.