(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૯
સીબીએસઇ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધો.૧૦ તથા ૧૨ ની પરીક્ષામાં ધો.૧૦નાં ગણિતનું તથા ધો.૧૨ માં અર્થશાસ્ત્રનું પેપર લીક થવાના બનાવનાં વિરોધમાં વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે કેન્દ્રીય એચ.આર.ડી. મંત્રી પ્રકાશ જાવડેકરનું પુતળું બાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ (સીબીએસઇ) દ્વારા ધો.૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં દેશનાં ૧૬ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમ્યાન ધો.૧૦નાં ગણિતનું પેપર જ્યારે ધો.૧૨નું અર્થશાસ્ત્રનું પેપર લીક થઇ જતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે સરકાર દ્વારા આ બંને પેપરોની પુનઃ પરિક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યાં હોવાનાં આક્ષેપ સાથે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે.
આજરોજ વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે યુવા કોંગ્રેસનાં કાર્યકરો મિતેશ ઠાકોર, ચિરાગ કડીયા સહિતનાં કાર્યકરોએ ભારે સુત્રોચ્ચાર કરી ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી એચ.આર.ડી. મંત્રી પ્રકાશ જાવડેકરનું પુતળુ બાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા ભાજપની સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઇ છે. અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય એ વિદ્યાર્થીઓ માટે અન્યાય છે તેમ જણાવી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.