વડોદરા, તા.ર
વડોદરા સેન્ટ્રલ જેલમાં મોબાઈલ-સીમ કાર્ડ મળવા એ કંઈ નવી વાત તો નથી જ… પરંતુ, રવિવારે જેલ તંત્ર દ્વારા કરાયેલી જડતીમાં પાકા કામના કેદીઓએ પથારીમાંથી સંતાડેલા ૩ મોબાઈલ ફોન, સીમ કાર્ડ વગેરે ઝડપાયા હતા.વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તા.૧ માર્ચને રવિવારના રોજ રાતના સમયે કરાયેલી જડતીમાં બેરેક નં.૧માં પાકા કામના કેદી જીતેન્દ્ર પરમારની પથારીમાં સેમસંગ કંપનીનો એન્ડ્રોઈલ મોબાઈલ, સીમ કાર્ડ, એસેમ્બલ ચાર્જર અને ઈયર ફોન મળી આવ્યા હતા. તેમજ પાકા કામના કેદી હર્ષ ઉર્ફે હર્ષરાજ ગઢાદરાની પથારીમાં વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ, સીમ કાર્ડ, ઈયર ફોન મળી આવ્યા હતા. હર્ષરાજે સત્તાધિશોને જણાવ્યું હતું કે, આ ફોનનો ઉપયોગ પાકા કામનો કેદી અજય ઉર્ફે સાગર વાઘેલા કરતો હતો.આ ઉપરાંત, પાકા કામના કેદી મહેશ ઉર્ફે મયકો ચુનીલાલની પથારી હટાવીને લાદી નીચે દોઢ ફૂટ ઊંડો ખાડો ખોદીને તપાસ કરતા ખાડામાં છૂપાયેલા જીઓ કંપનીઓ મોબાઈલ, સીમ કાર્ડ, એસેમ્બલ ચાર્જર અને ઈયર ફોન વગેરે મળી આવ્યા હતા.બનાવ અંગે જેલ સત્તાધીશોની ફરિયાદને આધારે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.