સુરેન્દ્રનગર, તા.૧
વઢવાણ ખાતે રહેતાં એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજતાં ચકચાર મચી જવા પામી હતી અને યુવકના પરિવારજનો દ્વારા તંત્રની બેદરકારીના કારણે કોઈ જ સહાય ન મળતાં મોત નિપજયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
વઢવાણ ખાતે રહેતા ૨૭ વર્ષના યુવક બાબુભાઈ ગાંડાભાઈ મકવાણાની તબિયત લથડતાં સવારના સમયે શહેરની સરકારી એવી ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન જ યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું. જ્યારે આ અંગે મૃતક યુવકના પરિવારજનો દ્વારા તંત્ર પર આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન આ મૃતક યુવકને જમવા સહિતની સહાય ન મળતાં છેલ્લા ઘણા દિવસોથી યુવક ભૂખ્યો હતો અને જેના કારણે તેની તબિયત લથડી હતી.
તેમજ તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને સહાય આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તંત્રની બેદરકારીને કારણે સહાય ન મળતાં યુવકનું મોત નિપજ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જ્યારે આ અંગે સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ દિવસથી મૃતક યુવકને જમવાનું ન મળ્યું હોવાની પણ પૃષ્ટિ કરી હતી.