વઢવાણ, તા.ર૦
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે વઢવાણમાં આવેલ વોર્ડ નં.૯ના રહિશોને પ્રાથમિક સુવિધાઓ ન મળતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અનેક રજૂઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં વઢવાણ લીંબડી રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના વઢવાણમાં આવેલ વોર્ડ નં.૯ ના છેવાડાના એવાં ખાણ વિસ્તાર સહિત આસપાસનાં અનુસુચિત જાતિના વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી અને સફાઈ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી. જેના કારણે આ વિસ્તારનાં અનેક પરિવારો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી છે જે અંગે અનેક વખત સ્થાનિક સદસ્યો સહિત પાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવ્યો નહોતો. આથી રોષે ભરાઈ સ્થાનિક મહિલાઓ સહિત રહિશોએ લીંબડી વઢવાણ પાસે આવેલ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો જેને પગલે રોડની બંન્ને સાઈડ વાહનોની લાંબી કતારો પણ લાગી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં અને ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.
Recent Comments