(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
વતન જવાની લ્હાયમાં હજીરાથી પગપાળા નીકળેલા ૨૦ યુવાનો ૧૫૦ કિલોમીટરની મુસાફરી કરી પરત આવ્યા હતા. આ યુવાનો હજીરામાં બ્રેડ બનાવતી કંપનીમાં કામ કરતા હતા અને લોકડાઉનને કારણે કંટાળીને વતન જવા નીકળ્યા હતા. હવે પાછા રૂમ પર જઈ વતન જવા ટિકિટની વ્યવસ્થા કરવાની તૈયારી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨૦ યુવાનોને સિટીલાઈટ વિસ્તારમાં આરામ કરતા જોતા તેમને અહીં આરામ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે ખબર પડી કે પગપાળા બિહાર જવા નીકળ્યા હતા. આ અંગે ભોલુરામ નામના યુવાને જણાવ્યું હતું કે, હજીરાની કંપનીમાં બ્રેડ બનાવવાનું કામ અમે કરીએ છીએ. લોકડાઉન બાદ વતન જવા માટે કોઈ વ્યવસ્થા થતી ન હતી. બીજી તરફ અહીં કામ વગર બેસીને કેટલા દિવસ કાઢવા. એના કરતા પગપાળા વતન જવાની હિંમત કરી નાંખી. એમાં અમે ૨૦ સાથીઓ જોડાયા હતા. ભોલુરામ વધુમાં જણાવ્યું હતું કે, ચાલતા ચાલતા હાઈ વે પર ૧૫૦ કિ.મી.થી વધુ અંતર કાપી નાખ્યું હતું. ત્યાં જ એક જગ્યાએ પોલીસે પકડ્‌યા. તેમણે પુછપરછ કરી એટલે અમે બધી વાત સમજાવી દીધી. આથી પોલીસે અમને સમજાવ્યા અને પરત જવા કહ્યું. જવાના ત્રણ દિવસ અને આવવાના ત્રણ દિવસ અમારા એમ જ ગયા. હવે પાછા રૂમ પર જઈ વતન જવા ટિકિટની વ્યવસ્થા કરવાની તૈયારી કરી છે.