(એજન્સી) તા.રપ
સંયુક્ત રાષ્ટ્રમાં (યુએન) યુ.એસ.ના રાજદૂતે ગઈકાલે દાવો કર્યો હતો કે આગામી બે દિવસોમાં એક અન્ય અરબ દેશ ઈઝરાયેલને માન્ય ગણશે. આ અગાઉ યુએઈ અને બેહરીને તાજેતરમાં ઈઝરાયેલ સાથે સામાન્ય સંબંધો સ્થાપવા કરાર કર્યા હતા અને ઈઝરાયેલને સ્વીકાર્યું હતું. રાજદૂત કેલી ક્રાફટે અલ-અરેબિયાને જણાવ્યું કે સારૂં તે આજે હોઈ શકે અથવા કાલે, બે દિવસમાં. જો કે ક્રાફટે સ્પષ્ટ રીતે તે અરબ દેશનું નામ આપ્યું ન હતું. અમે ચોક્કસપણે તે હકીકતનું સ્વાગત કરીએ છીએ કે સઉદી અરેબિયા તે દેશ છે, પણ વધારે મહત્ત્વની બાબત એ છે કે આપણે આપણું ધ્યાન કરારો ઉપર કેન્દ્રિત કરવું જોઈએ અને ઈરાની શાસનને બેહરીન, અમીરાત અથવા ઈઝરાયેલના સારા ઉદ્દેશનું શોષણ કરવાની પરવાનગી આપવી જોઈએ નહીં. આ ઈન્ટરવ્યુ કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝની યુએન સામાન્ય સભામાં પ્રથમ પ્રવચન પછી પ્રસારિત કરવામાં આવ્યું હતું. છેલ્લા ર૦ વર્ષમાં તેઓ યુએનમાં પ્રવચન આપનાર પ્રથમ સઉદી રાજા છે. તેમના પ્રવચનના ભાગરૂપે રાજા સલમાને ઈરાનની વિસ્તરણવાદી પ્રવૃત્તિઓ સાથે વ્યવહાર કરવા અને આ મુદ્દે વ્યાપક ઉકેલ લાવવા વિશ્વ તાકાત ધરાવનારા દેશને અપીલ કરી હતી. તેમણે બૈરૂતમાં ઓગસ્ટ મહિનામાં થયેલા વિસ્ફોટ અંગે લેબેનોનની હિઝબુલ્લાહ ચળવળને દોષી ગણાવીને તેને નિઃશસ્ત્ર કરવાની અપીલ કરી હતી. તેના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે મધ્યપૂર્વમાં આતંકવાદના મુખ્ય નાણાકીય દાતાઓ અને પ્રાયોજકો સઉદીઓ છે. મંત્રાલયે આગળ ઉમેર્યું કે રિયાધના લશ્કરી દળો દ્વારા યમનના લોકો પર આચરવામાં આવેલા યુદ્ધ ગુનાઓનો દોષ ઘટાડવા માટે રિયાધ સતત પ્રયત્નો કરી રહ્યું છે. ગયા મહિનામાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે સઉદી અરેબિયા ઈઝરાયેલ સાથે શાંતિ કરાર કરે, જો કે રિયાધે સૂચન કર્યું છે કે તે ર૦૦રના અરબ શાંતિ પહલ કરારને પ્રતિબદ્ધ છે. જે ઈઝરાયેલને, પેલેસ્ટીની રાજ્ય પદ સ્વીકારી લીધા પછી સંપૂર્ણપણે માન્યતા પ્રદાન કરે છે. ટ્રમ્પના જમાઈ અને રાષ્ટ્રીય સલાહકાર જેરેડ કુશ્નરે પણ દાવો કર્યો કે ઈઝરાયેલ સાથે સામાન્યીકરણ સંબંધો સ્થાપવાથી સઉદીના આર્થિક હિતોમાં વધારો થશે અને આ પ્રદેશમાં ઈરાનનું પ્રભાવ નબળું પડી જશે.