તિરૂવનંતપુરમ, તા.૩૧
ભારત ગુરૂવારે અહિંયા વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ પાંચમી અને અંતિમ વન-ડે મેચમાં વધુ એક ઘરેલુ સીરિઝ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. ભારતે છેલ્લીવાર ઘરેલુ વન-ડે સિરીઝ ર૦૧પમાં દ.આફ્રિકા વિરૂદ્ધ ગુમાવી હતી અને ત્યારથી સ્વદેશમાં તેનું અપરાજીત અભિયાન યથાવત્‌ છે. ભારત હાલ પાંચ મેચોની સિરીઝમાં ર-૧થી આગળ ચાલી રહ્યું છે. જેની એક મેચ ટાઈ પણ રહી. ભારતને જો કે સિરીઝમાં વેસ્ટઈન્ડિઝના આકરા પડકારનો સામનો કરવો પડ્યો છે. જેમાં પૂણેમાં ત્રીજી વન-ડેમાં પરાજય પણ સામેલ છે. ભારત પ્રવાસમાં વેસ્ટઈન્ડિઝની આ પ્રથમ જીત હતી. કાલે મેચ દરમ્યાન જો કે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં ટવેન્ટી-ર૦ સિરીઝ માટે જાહેર થયેલી ટીમમાંથી પડતા મૂકાયેલા ધોનીને દસ હજાર રન પૂરા કરવા માટે ફક્ત એક રનની જરૂર છે. બૂમરાહના પુનરાગમનથી ભારતનું બોલિંગ આક્રમણ મજબૂત થયું છે.