નટરાજને ૨૦ રન આપી બે વિકેટ ઝડપી

બીજી ટી-૨૦માં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું, ધવનની અડધી સદી, હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ

સિડની, તા. ૬
ઓપનર શિખર ધવનની આક્રમક અડધી સદી બાદ હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગની મદદથી ભારતે આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે જ વિરાટ કોહલીની ટીમે ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય અસરસાઈ મેળવી લીધી છે. ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૪ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ભારતે અંતિમ ઓવર સુધી રોમાંચક બનેલી મેચમાં ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર પાડ્યો હતો. ટી૨૦માં ભારતનો આ સળંગ ૧૦મો વિજય છે. ૧૯૫ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે શરૂઆત કરી હતી. લોકેશ રાહુલ અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્‌સમેનોએ ૫.૨ ઓવરમાં ૫૬ રનની ભાગીદારી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નિરાશાજનક ફોર્મમાં રહેલા શિખર ધવને આ મેચમાં પોતાની લય મેળવી લીધી હતી. તેણે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. લોકેશ રાહુલ ૨૨ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૦ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ધવને ૩૬ બોલમાં ૫૨ રન ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી.
શિખર ધવન અને લોકેશ રાહુલ આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ બાજી હાથમાં લઈ લીધી હતી. જોકે, સામે છેડે સંજૂ સેમસન નિષ્ફળ રહ્યો હતો. સેમસન ૧૦ બોલમાં ૧૫ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. પરંતુ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે ૨૪ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૦ રન નોંધાવ્યા હતા.
કોહલી આઉટ થયા બાદ ભારતના વિજયની આશા હાર્દિક પંડ્યા પર રહેલી હતી અને વડોદરાના વિસ્ફોટક બેટ્‌સમેને ભારતીય ક્રિકેટ પ્રેમીઓને નિરાશ કર્યા ન હતા. તેણે ઝંઝાવાતી બેટિંગ કરીને ભારતને વિજય અપાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ ૨૨ બોલમાં અણનમ ૪૨ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે શ્રેયસ ઐય્યરે પાંચ બોલમાં અણનમ ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે ડેનિયલ સેમ્સ, એન્ડ્રૂ ટાઈ, મિચેલ સ્વેપસન અને એડમ ઝામ્પાને એક-એક વિકેટ મળી હતી. ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાની શરૂઆત શાનદાર રહી હતી. મેથ્યુ વેડ અને ડીઆર્કી શોર્ટની ઓપનિંગ જોડીએ ૪.૩ ઓવરમાં ૪૭ રન નોંધાવ્યા હતા. જેમાં શોર્ટનું યોગદાન ફક્ત નવ રનનું રહ્યું હતું. આ મેચમાં ટીમની કેપ્ટનશિપ કરનારા વેડે ધમાકેદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે ૩૨ બોલમાં ૫૮ રન ફટકાર્યા હતા જેમાં ૧૦ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. જ્યારે સ્ટિવ સ્મિથે પણ તાબડતોબ બેટિંગ કરી હતી. જોકે, તે ચાર રન માટે અડધી સદી ચૂકી ગયો હતો. સ્મિથે ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૩૮ બોલમાં ૪૬ રનની ઈનિંગ્સ રમી હતી. મેથ્યુ વેડ અને સ્ટિવ સ્મિથ બાદ મિડલ ઓર્ડરના બેટ્‌સમેનોએ આક્રમક બેટિંગ કરી હતી. જોકે, તેઓ મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા પરંતુ ટીમના સ્કોરને મોટો બનાવવામાં યોગદાન આપ્યું હતું. ગ્લેન મેક્સવેલે ૧૩ બોલમાં બે સિક્સરની મદદથી ૨૨ રન ફટકાર્યા હતા જ્યારે હેનરિક્સે ૧૮ બોલમાં ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. માર્ક્‌સ સ્ટોઈનિસે સાત બોલમાં અણનમ ૧૬ રન ફટકાર્યા હતા. ભારત માટે નટરાજને બે તથા શાર્દૂલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.